Filed under: મીઠડી | ટૅગ્સ: ગીર, ચારણ-કન્યા, ચૌદ વરસની ચારણ-કન્યા, ઝવેરચંદ મેઘાણી, સિંહ, gujarati, lion, meghani, zaverchand
સાવજ ગરજે !
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો’ જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે!
ક્યાં ક્યાં ગરજે?
બાવળનાં જાળાંમાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પત્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગંતા કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે ! કેવી એની આંખ ઝબૂકે !
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઉગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાનાં શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઊઘાડે !
જમરાજાનું દ્વાર ઊઘાડે !
પ્રુથ્વીનું પાતાળ ઊઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતી જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડંકદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે
જાણે આભ મિનારા ઊઠે
ઊભો રે’જે !
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર – લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ-કન્યા !
ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હીંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘુમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ્-કન્યા
નેસ્-નિવાસી ચારણ-કન્યા
જગ્દમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
ઝવેરચંદ મેઘાણી
3 ટિપ્પણીઓ so far
Leave a comment
Lovely, Thanks!
ટિપ્પણી by Me 9 એપ્રિલ, 2009 @ 5:23 પી એમ(pm)અમારે ભણવામાં આવતી હતી. અમદાવાદમાં એક કાર્યક્રમમાં રાજકોટ રેડિયો
ટિપ્પણી by Suresh Jani 10 એપ્રિલ, 2009 @ 2:03 એ એમ (am)સ્ટેશનના આર્ટિસ્ટે એ છટાભેર ગાઈ હતી અને ગીરનું વાતાવરણ સજીવ કરી દીધુંં હતું.
feel good after reading charan kanya.wants to read such gujarati poem.
ટિપ્પણી by sangita khatri 17 મે, 2010 @ 8:25 પી એમ(pm)SWARNIM GUJARAT. 17-05-2010.